દિલ્હી હાઈકોર્ટે મહત્વના ચુકાદામાં જણાવ્યું છે કે લગ્નના વાદા બાદ કુંડળી ન મળવાનું બહાનું કાઢી લગ્નનો ઇનકાર કરવો એ છેતરપિંડી અને રેપ ગણી શકાય.
Delhi High Court : લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધ્યા બાદ ‘કુંડળી મળતી નથી’ તેવું બહાનું કાઢીને લગ્નનો ઇનકાર કરવો એ હવે ગુનાની શ્રેણીમાં આવી શકે છે. દિલ્હી હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ પુરુષ મહિલાને લગ્નનો ભરોસો આપી તેની સાથે સંબંધ બાંધે અને પછી કુંડળી ન મળવાનું બહાનું આગળ ધરે, તો તે મહિલા સાથેની છેતરપિંડી અને બળાત્કાર (Rape) સમાન ગણી શકાય.
શું હતો સમગ્ર મામલો?
એક મહિલાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તે તેની સાથે લાંબા સમય સુધી રિલેશનશિપમાં હતો. આરોપીએ લગ્નના વાદા સાથે મહિલા સાથે અનેકવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. શરૂઆતમાં આરોપીએ એવો પણ દાવો કર્યો હતો કે કુંડળી મળી ગઈ છે અને લગ્નમાં કોઈ બાધા નથી. એક મેસેજમાં તો તેણે ત્યાં સુધી કહ્યું હતું કે, “આપણે કાલે જ લગ્ન કરી રહ્યા છીએ.” જોકે, બાદમાં તેણે કુંડળી ન મળતી હોવાનું કહીને લગ્ન કરવાની ના પાડી દીધી હતી.
Delhi હાઈકોર્ટે શું નોંધ્યું?
જસ્ટિસ સ્વર્ણકાંત શર્માની બેન્ચે આ મામલે અત્યંત કડક વલણ અપનાવતા મહત્વના અવલોકનો કર્યા છે, જેમાં કોર્ટે આરોપીની દાનત પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે. અદાલતે સ્પષ્ટપણે જણાવ્યું છે કે શરૂઆતમાં લગ્નનો ભરોસો આપવો અને ત્યારબાદ કુંડળી ન મળતી હોવાનું બહાનું કાઢવું એ આરોપીના વાદાની સત્યતા પર શંકા પેદા કરે છે. અદાલતે નોંધ્યું કે આવું વર્તન ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 69 હેઠળ ગુનો બની શકે છે, જે છેતરપિંડી કે લગ્નના ખોટા આશ્વાસન દ્વારા બાંધવામાં આવેલા જાતીય સંબંધોને આવરી લે છે. જસ્ટિસ શર્માએ એવો વેધક સવાલ પણ ઉઠાવ્યો હતો કે જો કુંડળી મેળવવી આટલી જ અનિવાર્ય હતી, તો શારીરિક સંબંધ બાંધતા પહેલા આ બાબતે ગંભીરતાથી કેમ ન વિચાર્યું?
ખોટા વાદાના આધારે સંમતિ
કોર્ટે (High Court) કહ્યું કે જો લગ્નનું વચન આપીને સંમતિ મેળવવામાં આવી હોય અને બાદમાં તે વચન તોડવામાં આવે, તો તે સંમતિ ‘ખોટી’ ગણાય છે. આ કિસ્સામાં આરોપીએ પહેલા કુંડળી મળી હોવાનો વિશ્વાસ અપાવ્યો હતો અને પછી તે જ કુંડળીને લગ્ન ન કરવાનું હથિયાર બનાવ્યું. આ બાબત સ્પષ્ટપણે છેતરપિંડી દર્શાવે છે. હાઈકોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.
આ પણ વાંચો: મોતની ચીસોથી ધ્રુજી ઉઠ્યું અલવર!કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ ધડાકા બાદ ભીષણ આગ, 7 શ્રમિકો જીવતા ભુંજાયા

