Site icon Kinjal Vibe

મોતની ચીસોથી ધ્રુજી ઉઠ્યું અલવર!કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ ધડાકા બાદ ભીષણ આગ, 7 શ્રમિકો જીવતા ભુંજાયા

Rajasthan: અલવરની ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ અને આગ, 7 શ્રમિકોના મોત

Rajasthan Factory Blast 7 Dead: રાજસ્થાનના અલવર જિલ્લામાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ખુશખેડા ઔદ્યોગિક ક્ષેત્રમાં આવેલી એક ફેક્ટરીમાં સોમવારે સવારે ભીષણ આગ ફાટી નીકળતા સાત શ્રમિકોના કરૂણ મોત નિપજ્યા છે. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને અંદર કામ કરી રહેલા લોકોને બહાર નીકળવાની તક પણ મળી નહોતી.

Rajasthan : સવારે 10 વાગ્યે સર્જાઈ હોનારત

રાજસ્થાનના અલવર જિલ્લાના ખુશખેડા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પ્લોટ નંબર G-1, 118માં આવેલી આ ફેક્ટરીમાં સવારે 10વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. નવાઈની વાત એ છે કે આ ફેક્ટરી છેલ્લા ઘણા મહિનાઓથી બંધ પડી હતી. અચાનક ફેક્ટરીમાંથી ધુમાડો નીકળવાનું શરૂ થયું અને જોતજોતામાં પ્રચંડ લપેટા ઉઠ્યા હતા. આ દુર્ઘટનામાં સાતેય લોકો જીવતા સળગી જવાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રચંડ ધડાકાથી ધ્રુજી ઉઠ્યો વિસ્તાર

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આગ લાગ્યા બાદ ફેક્ટરીની અંદર 3થી 4વાર જોરદાર ધડાકા થયા હતા. આ ધડાકા એટલા પ્રચંડ હતા કે તેનો અવાજ દૂર-દૂર સુધી સાંભળવા મળ્યો હતો. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ફેક્ટરીની અંદર રાખવામાં આવેલા ગેસ સિલિન્ડરો અથવા કેમિકલના ડ્રમ ફાટવાને કારણે આ ધડાકા થયા હોઈ શકે છે.

ભારે જહેમત બાદ આગ કાબૂમાં

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની અડધો ડઝનથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફેક્ટરીમાં મોટી માત્રામાં પૂંઠા અને જ્વલનશીલ પદાર્થોનો સ્ટોક હોવાથી આગને કાબૂમાં લેતા ફાયર ફાઈટરોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સાવચેતીના ભાગરૂપે આસપાસની ફેક્ટરીઓ ખાલી કરાવવામાં આવી હતી અને વિસ્તારનો વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો.

તંત્રએ આપ્યા તપાસના આદેશ

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટને કારણે આ હોનારત સર્જાઈ હોવાનું અનુમાન છે. ભિવાડી પોલીસે તપાસ શરૂ કરી છે કે જ્યારે ફેક્ટરી સત્તાવાર રીતે બંધ હતી, ત્યારે અંદર આ શ્રમિકો શું કામ કરી રહ્યા હતા? પોલીસ અત્યારે વિસ્ફોટ પાછળના અસલી કારણોની તપાસ કરી રહી છે.


આ પણ વાંચો: સ્લો ફોનથી પરેશાન છો? આ 5 ટિપ્સ તમારા એન્ડ્રોઇડને બનાવશે રોકેટ જેવો ફાસ્ટ!

Exit mobile version