Site icon Kinjal Vibe

ઝારખંડના ચતરામાં એર એમ્બ્યુલન્સ ક્રેશ, દર્દી અને ડોક્ટર સહિત તમામ 7 લોકોના કમકમાટીભર્યા મોત

Red and Black Retro Landscape YouTube Thumbnail background
ઝારખંડના ચતરામાં સોમવારે રાત્રે એર એમ્બ્યુલન્સ ક્રેશ થતા 7 લોકોના મોત થયા છે. રાંચીથી દિલ્હી જઈ રહેલું વિમાન જંગલમાં ખાબક્યું હતું.

Ranchi Air Ambulance Crash News: ઝારખંડના રાંચીથી દિલ્હી જઈ રહેલું એક મેડિકલ ચાર્ટર વિમાન સોમવારે રાત્રે ચતરા પાસેના ગાઢ જંગલોમાં ક્રેશ થયું છે. આ ભયાનક દુર્ઘટનામાં વિમાનમાં સવાર દર્દી, તેમની પત્ની, ડોક્ટર અને બે પાઇલટ સહિત તમામ ૭ લોકોના કરૂણ મોત નિપજ્યા છે. ગંભીર રીતે દાઝેલા દર્દીને બચાવવા માટે ઉડેલી આ એમ્બ્યુલન્સ પોતે જ કાળનો કોળિયો બની ગઈ હતી.

ઉડાન ભર્યાની 20 મિનિટમાં જ સંપર્ક તૂટ્યો

રેડબર્ડ એરવેઝનું બીચક્રાફ્ટ સી-90 વિમાન સોમવારે સાંજે 7:11 કલાકે રાંચી એરપોર્ટ પરથી દિલ્હી જવા રવાના થયું હતું. વિમાનને રાત્રે 10 વાગ્યે દિલ્હી ઉતરવાનું હતું, પરંતુ ઉડાન ભર્યાની માત્ર 20 મિનિટમાં જ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેનો તેનો સંપર્ક તૂટી ગયો હતો. રડાર પર વિમાનની છેલ્લી લોકેશન પલામુ પાસે મળી હતી, ત્યારબાદ તે ચતરાના સિમરિયા સ્થિત કસિયાતુ જંગલમાં ક્રેશ થયું હતું.

દર્દીને બચાવવા જતી Air Ambulance પોતે જ દુર્ઘટનાગ્રસ્ત થઈ

મૃતક દર્દી સંજય કુમાર (41 વર્ષ) પલામુના બકોરિયામાં ઢાબો ચલાવતા હતા. ગત સોમવારે તેમના ઢાબામાં લાગેલી ભયાનક આગમાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. રાંચીમાં તેમની તબિયત વધુ લથડતા તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી રિફર કરવામાં આવ્યા હતા. તેમની સાથે પત્ની અર્ચના દેવી અને ભાણેજ ધ્રુવ પણ હાજર હતા, જેમનું આ અકસ્માતમાં મોત થયું છે.

દુર્ઘટનામાં જીવ ગુમાવનાર 7કમનસીબ લોકો

ચતરાના કલેક્ટર કીર્તિશ્રી જી. અને પોલીસ તંત્રે પુષ્ટિ કરી છે કે તમામ 7 મૃતદેહો મળી આવ્યા છે. 1. કેપ્ટન વિવેક વિકાસ ભગત (પાઇલટ) 2. કેપ્ટન સવરાજદીપ સિંહ (પાઇલટ) 3. સંજય કુમાર (દર્દી) 4. ડો. વિકાસ કુમાર ગુપ્તા (ડોક્ટર) 5. સચિન કુમાર મિશ્રા (પેરામેડિક સ્ટાફ) 6. અર્ચના દેવી (દર્દીની પત્ની) 7. ધ્રુવ કુમાર (દર્દીનો ભાણેજ)

ખરાબ હવામાન હોઈ શકે છે કારણ

રાંચી એરપોર્ટના ડાયરેક્ટર વિનોદ કુમારના જણાવ્યા મુજબ, પ્રાથમિક દ્રષ્ટિએ ખરાબ હવામાન આ દુર્ઘટનાનું મુખ્ય કારણ હોઈ શકે છે. જોકે, DGCA દ્વારા તપાસ બાદ જ અકસ્માતનું સાચું કારણ જાણી શકાશે. હાલમાં રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે અને રાહત કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે.


આ પણ વાંચો: મોતની ચીસોથી ધ્રુજી ઉઠ્યું અલવર!કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ ધડાકા બાદ ભીષણ આગ, 7 શ્રમિકો જીવતા ભુંજાયા

Exit mobile version