Baghpat Woman Rape Murder Case: ઉત્તર પ્રદેશના બાગપતમાં 11 ફેબ્રુઆરીએ થયેલી મહિલાની રહસ્યમય હત્યાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કોઈ સામાન્ય હત્યા નહોતી, પરંતુ એક હવસખોરની દરિંદગીનો કિસ્સો હતો. દિલ્હીના મોલમાં સફાઈકર્મી તરીકે કામ કરતા રાજેશ નામના શખ્સે દારૂના નશામાં એક પરણિત મહિલાને નિશાન બનાવી બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી.
Baghpat: શું હતી સમગ્ર ઘટના?
11 ફેબ્રુઆરીની સાંજે પીડિત મહિલા પોતાના પિયરથી સાસરે જવા નીકળી હતી. રસ્તામાં ટટીરી ગામનો રહેવાસી રાજેશ તેને મળ્યો હતો. રાજેશે દારૂના નશામાં મહિલાનો પીછો કર્યો. મહિલાએ બચવા માટે દોડ લગાવી, જેમાં તે રેલવે ટ્રેક પર પડી ગઈ અને તેને ઈજા પણ થઈ. જોકે, હેવાન રાજેશે તેનો પીછો ન છોડ્યો અને તેને પકડી પાડી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે મહિલાએ બૂમો પાડી ત્યારે પકડાઈ જવાના ડરે રાજેશે તેનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી.
CCTV અને જેકેટના સુરાગથી પકડાયો આરોપી
બાગપત પોલીસે આ ‘બ્લાઈન્ડ મર્ડર’ કેસ ઉકેલવા માટે આકાશ-પાતાળ એક કરીને સઘન તપાસ હાથ ધરી હતી, જેમાં 100 થી વધુ CCTV કેમેરા ફૂટેજ તપાસવાની સાથે 300થી વધુ મોબાઈલ નંબર ટ્રેસ કરવામાં આવ્યા હતા અને અંદાજે 150 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. આ કેસમાં સૌથી મહત્વની કડી આરોપીના ઘર પાસેના CCTV ફૂટેજમાંથી મળી હતી, જેમાં જોવા મળ્યું હતું કે તે સાંજે જેકેટ પહેરીને બહાર નીકળ્યો હતો, પરંતુ જ્યારે તે રાત્રે પરત ફર્યો ત્યારે તેનું જેકેટ ગાયબ હતું. પોલીસને તેની આ હિલચાલ શંકાસ્પદ લાગતા ઊંડી તપાસ કરવામાં આવી અને અંતે પોલીસ આરોપી સુધી પહોંચવામાં સફળ રહી હતી.
ગુનાહિત ઇતિહાસ ધરાવે છે નરાધમ
આરોપી રાજેશ પહેલેથી જ વિકૃત માનસિકતા ધરાવે છે. તે પોતાની પત્ની સાથેના વિવાદને કારણે 22 મહિના સુધી તિહાર જેલમાં રહી ચૂક્યો છે અને 9 મહિના પહેલા જ જામીન પર બહાર આવ્યો હતો. અગાઉ એક અન્ય મહિલાની છેડતી કરવા બદલ તે મહિલાના પતિએ રાજેશને એટલો માર માર્યો હતો કે તેનો પગ ભાંગી ગયો હતો.
NSA હેઠળ થશે કાર્યવાહી
બાગપત એસપી સૂરજ રાયે જણાવ્યું હતું કે આ એક અત્યંત ક્રૂર ગુનો છે. આરોપી વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ કાર્યવાહી કરવામાં આવશે અને કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે જેથી પીડિતાને વહેલી તકે ન્યાય મળે. પોલીસ ટીમને આ કેસ ઉકેલવા બદલ 25,000 રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: મોતની ચીસોથી ધ્રુજી ઉઠ્યું અલવર!કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ ધડાકા બાદ ભીષણ આગ, 7 શ્રમિકો જીવતા ભુંજાયા

