Surat Adajan Murder Case: દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાંથી એક રુંવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. અડાજણ વિસ્તારમાં એક 65 વર્ષીય નિવૃત્ત સિવિલ એન્જિનિયરે નજીવા ઘરેલું વિવાદમાં પોતાની 54 વર્ષીય પત્નીની હથોડાના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી છે. હત્યા કર્યા બાદ પતિએ પુત્રને ફોન કરીને જે શબ્દો કહ્યા તે સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ છે.
શું છે સમગ્ર ઘટના?
આ ઘટના અડાજણના આનંદ મહેલ રોડ પર આવેલી ‘સન રેસીડેન્સી’માં 27 ફેબ્રુઆરીએ બની હતી. 65 વર્ષીય દિનેશ પટેલ, જે વ્યવસાયે નિવૃત્ત સિવિલ એન્જિનિયર છે, તેણે પોતાની પત્ની તૃપ્તિ પટેલ (ઉંમર 54) ની હત્યા કરી છે. છેલ્લા દોઢ-બે વર્ષથી દિનેશભાઈ નિવૃત્ત જીવન જીવતા હતા અને ઘરે જ રહેતા હતા.
હત્યા બાદ પુત્રને ફોન કરીને કહ્યું- ‘મેં મારું કામ કરી દીધું’
દિનેશ પટેલે પત્નીની હત્યા કર્યા બાદ પોતાના પુત્ર કૃણાલને ફોન કર્યો અને ઠંડા કલેજે કહ્યું, “મેં મારું કામ કરી દીધું છે.” પુત્ર કઈ સમજે તે પહેલા જ પિતાએ ફોન કાપી નાખ્યો હતો. ગભરાયેલો પુત્ર જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે ઘરને તાળું મારેલું હતું. અંદર જઈને જોયું તો માતા તૃપ્તિબેનનો લોહીલુહાણ મૃતદેહ પડ્યો હતો અને પિતા ફરાર થઈ ગયા હતા.
નજીવા વિવાદે લીધો ભયાનક વળાંક
સુરત પોલીસના ડીસીપી લાખધીરસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર, આ હત્યા પાછળ કોઈ મોટું કારણ નહીં પરંતુ સામાન્ય ઘરેલું ઝઘડા જવાબદાર છે. છેલ્લા કેટલાક સમયથી પતિ-પત્ની વચ્ચે જમવા બનાવવા જેવી નાની બાબતો અને માન-સન્માન મુદ્દે તકરાર ચાલતી હતી. 27 ફેબ્રુઆરીએ વિવાદ એટલો વધ્યો કે દિનેશ પટેલે ઘરમાં રહેલો લોખંડનો હથોડો પત્નીના માથામાં અને કપાળ પર મારી દીધો, જેના કારણે તૃપ્તિબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.
Surat :પોલીસે આરોપીને દબોચ્યો
પુત્રની ફરિયાદના આધારે અડાજણ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી જાળ બિછાવીને ફરાર દિનેશ પટેલની ધરપકડ કરી લીધી છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી પહેલા વિદ્યાનગરમાં નોકરી કરતો હતો અને હાલમાં અડાજણમાં ભાડાના મકાનમાં રહેતો હતો.
આ પણ વાંચો: Life Style : “પરફેક્ટ” નહીં, “ખુશ” લાઈફસ્ટાઈલ કેવી રીતે જીવવી?

