Rajkot Metoda Accident: ગુજરાતના રાજકોટ જિલ્લામાં મંગળવારે રાત્રે એક કાળજું કંપાવતો અકસ્માત સર્જાયો છે. મેટોડા જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં એક બેફામ ગતિએ આવતા ટ્રકે પેસેન્જર રિક્ષાને જોરદાર ટક્કર મારતા કુલ 4 લોકોના મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં બે સગા ભાઈઓએ પણ જીવ ગુમાવ્યો હોવાનું સામે આવતા શોકનું મોજું ફરી વળ્યું છે.
Rajkot : ત્રણના ઘટનાસ્થળે જ મોત
આ દુર્ઘટના મંગળવારે રાત્રે મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં બની હતી. ટ્રક અને રિક્ષા વચ્ચેની ટક્કર એટલી ભીષણ હતી કે ત્રણ લોકોએ તો ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ વ્યક્તિનું સારવાર દરમિયાન સરકારી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.
મૃતકોમાં 2 સગા ભાઈઓ અને રિક્ષા ચાલકનો સમાવેશ
પોલીસ તપાસમાં એ હકીકત સામે આવી છે કે આ ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોમાં સુરેન્દ્રનગરના વતની એવા બે સગા ભાઈઓ પણ સામેલ છે. આ બંને ભાઈઓ, વિજય ગંગાડિયા અને વિશાલ ગંગાડિયા, મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી હતા અને જીઆઈડીસીમાં પેન્ટર તરીકે કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. આ ઉપરાંત, મૃતકોમાં સમીર વરાણિયા નામના એક રિક્ષા ચાલકનો પણ સમાવેશ થાય છે, જ્યારે અન્ય એક મૃતક વ્યક્તિની ઓળખ હજુ સુધી થઈ શકી નથી, જેના માટે પોલીસ હાલ વધુ તપાસ ચલાવી રહી છે.
ટ્રક ચાલકની ધરપકડ
અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ આરોપી ટ્રક ચાલક બંસીભારતી ગોસ્વામીની ધરપકડ કરી લીધી છે.
રાજકોટ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ધુળેટીના પર્વ પર જ રાજકોટના માર્ગો રક્તરંજિત થતા અને 4 આશાસ્પદ યુવાનોના મોત થતા જીઆઈડીસી વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે
આ પણ વાંચો: ઇન્ટરનેટનો સૌથી ડરામણો ચહેરો! પિઝાની જેમ ઓનલાઈન ઓર્ડર થઈ રહી છે છોકરીઓ, વાંચીને રુંવાડા ઊભા થઈ જશે

