Fake NIA PSI Arrested in Kalol: ગુજરાતમાં નકલી અધિકારીઓ પકડાવાનો સિલસિલો યથાવત છે. રાજ્યમાં ઠગ કિરણ પટેલ બાદ હવે ગાંધીનગરના કલોલમાંથી એક નકલી PSI ઝડપાયો છે. આ ઠગાઈ કરનાર શખ્સ બીજે ક્યાંય નહીં પણ સીધો કલોલ DySP કચેરીએ પહોંચ્યો હતો અને પોતાની ઓળખ NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) ના PSI તરીકે આપી હતી. જોકે, DySP ને શંકા જતાં જ આ નકલી અધિકારીનો ભાંડો ફૂટી ગયો હતો.
Kalol: DySP કચેરીએ જઈને રોફ જમાવ્યો
મળતી માહિતી મુજબ, ગુંજન કાંટીચા નામનો શખ્સ NIA ના PSI નું નકલી આઈકાર્ડ ધારણ કરીને કલોલ DySP કચેરીમાં પ્રવેશ્યો હતો. ત્યાં હાજર કર્મચારીઓ અને અધિકારીઓ સમક્ષ તેણે પોતાની ખોટી ઓળખ આપીને રોફ જમાવ્યો હતો અને DySP ને મળવાની માંગ કરી હતી.
આઈકાર્ડ પરથી ફૂટ્યો ભાંડો
ગુંજન જ્યારે DySP ને મળવા પહોંચ્યો ત્યારે તેણે બતાવેલા આઈકાર્ડ પર ઉચ્ચ અધિકારીને શંકા ગઈ હતી. કાર્ડની ઝીણવટભરી તપાસ અને પૂછપરછ દરમિયાન ગુંજન ગૂંચવાયો હતો અને અંતે તે કોઈ પોલીસ અધિકારી નહીં પણ એક ઠગ હોવાનું સામે આવ્યું હતું. DySP કચેરીના સ્ટાફે તાત્કાલિક તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અગાઉ પણ ગુનાહિત ઈતિહાસ
આશ્ચર્યની વાત એ છે કે, આ નકલી PSI ગુંજન કાંટીચા અગાઉ પણ આવા જ ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. અગાઉ અમદાવાદની સોલા પોલીસે પણ તેની ધરપકડ કરી હતી. જૂના ગુનામાંથી પાઠ લેવાને બદલે તેણે ફરીથી NIA ના નામે છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તે સફળ થયો નહીં. હાલમાં કલોલ પોલીસે તેની કડક પૂછપરછ શરૂ કરી છે કે તેણે અગાઉ કેટલા લોકોને NIA ના અધિકારી બનીને છેતર્યા છે.
આ પણ વાંચો: સાયલા-લીંબડી હાઈવે પર ખનીજ ભરેલા ડમ્પરમાં ભયાનક આગ

