White LED Light Fine Gujarat: જો તમે તમારી કાર કે બાઇકમાં ફેશન માટે અથવા વધુ રોશની માટે સફેદ LED લાઈટ લગાવી છે, તો તમારા માટે આ સમાચાર વાંચવા ખૂબ જ જરૂરી છે. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગે હવે રસ્તા પર અકસ્માત નોતરતી આવી વધુ પડતી તીવ્રતાવાળી (High Intensity) લાઈટ્સ સામે લાલ આંખ કરી છે.
RTO ને અપાયા કડક આદેશો
લાંબા સમયથી મળી રહેલી ફરિયાદોને ધ્યાને રાખીને તંત્ર સક્રિય થયું છે. વાહન વ્યવહાર વિભાગે રાજ્યની તમામ RTO કચેરીઓને સૂચના આપી છે કે, જે વાહનોમાં કંપની સિવાયની અનઅધિકૃત સફેદ LED હેડલાઇટ્સ લગાડવામાં આવી હોય, તેમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.

સફેદ LED Light કેમ જોખમી છે?
પરિપત્રમાં જણાવ્યા અનુસાર, આ તેજસ્વી સફેદ લાઈટના કારણે:
- સામેથી આવતા વાહનચાલકની આંખો અંજાઈ જાય છે (Glaring effect).
- રાત્રિના સમયે ડ્રાઈવરને રસ્તો દેખાતો બંધ થઈ જાય છે, જે સીધા અકસ્માતને આમંત્રણ આપે છે.
- આવા જીવલેણ અકસ્માતોમાં જાનહાનિ થવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે.
ડીલરો પર પણ રહેશે વોચ
તંત્ર માત્ર વાહનચાલકો જ નહીં, પણ હવે વાહન વેચનારા ડીલરો પર પણ કડક નજર રાખશે. ડીલર કક્ષાએથી જ વાહનમાં આવી અનઅધિકૃત એસેસરીઝ લગાવીને ગ્રાહકને ન આપવામાં આવે તે માટે શો-રૂમ્સ પર પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે.
જો તમારા વાહનમાં પણ આવી લાઈટ્સ છે, તો મુશ્કેલીથી બચવા માટે તેને દૂર કરાવી લેવી હિતાવહ છે. ટ્રાફિક નિયમોનું પાલન કરો અને તમારી સાથે બીજાની સુરક્ષાનું પણ ધ્યાન રાખો.
આ પણ વાંચો: સાયલા-લીંબડી હાઈવે પર ખનીજ ભરેલા ડમ્પરમાં ભયાનક આગ







