Ajit Pawar Plane Crash: મહારાષ્ટ્રના રાજકારણમાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. બુધવારે સવારે પુણેના બારામતી ખાતે થયેલી એક ભયાનક વિમાન દુર્ઘટનામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને વરિષ્ઠ NCP નેતા અજિત પવારનું નિધન થયું છે. આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત કુલ 5 લોકોના મોત થયા હોવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન સર્જાઈ દુર્ઘટના
મળતી વિગતો અનુસાર, અજિત પવાર આગામી ચૂંટણીના પ્રચાર અર્થે ખાનગી ચાર્ટર્ડ વિમાન દ્વારા બારામતી જઈ રહ્યા હતા. વિમાન જ્યારે રનવે પર લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, ત્યારે અચાનક પાયલટે નિયંત્રણ ગુમાવ્યું હતું. જોતજોતામાં વિમાન ક્રેશ થયું અને તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભયાનક હતી કે બચાવ કામગીરી શરૂ થાય તે પહેલા જ વિમાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું.
Ajit Pawar બારામતીના ‘દાદા’: એક યુગનો અંત
અજિત પવાર અને બારામતી વચ્ચેનો સંબંધ ત્રણ દાયકા જૂનો હતો. વર્ષ 1991માં રાજકીય સફર શરૂ કરનાર અજિત પવારને લોકો પ્રેમથી “દાદા” કહીને બોલાવતા હતા.
- 8 વખત ધારાસભ્ય: તેઓ સતત 8 વખત બારામતી બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા.
- વિકાસ પુરુષ: બારામતીને મહારાષ્ટ્રનું ‘રોલ મોડેલ’ બનાવવામાં તેમનો સિંહફાળો હતો. ખેતી, સિંચાઈ અને સહકારી ક્ષેત્રમાં તેમણે અભૂતપૂર્વ કાર્ય કર્યું હતું.
- સહકારી નેતા: પુણે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન તરીકે 16 વર્ષ સુધી સેવા આપી તેમણે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કર્યું હતું.
રાજ્યમાં ત્રણ દિવસનો શોક જાહેર
આ દુર્ઘટનાના સમાચાર મળતા જ સમગ્ર દેશમાં શોકની લહેર દોડી ગઈ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાને રાજ્ય માટે ક્યારેય ન પુરાય તેવી ખોટ ગણાવી છે અને મહારાષ્ટ્રમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પણ આ ઘટના અંગે માહિતગાર કરવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે કે આ અકસ્માત ટેકનિકલ ખામીને કારણે થયો હતો કે અન્ય કોઈ કારણસર.
આ પણ વાંચો: સાયલા-લીંબડી હાઈવે પર ખનીજ ભરેલા ડમ્પરમાં ભયાનક આગ

