ED Seizure Ahmedabad Railway Engineer: ગુજરાતમાં તપાસ એજન્સીઓ અત્યારે એક્શન મોડમાં છે. અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટરો પર દરોડા પાડ્યા બાદ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ભ્રષ્ટાચારી અધિકારીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના પૂર્વ એન્જિનિયર વેદપ્રકાશ અને તેમની પત્નીની કરોડોની મિલકતો ઈડીએ જપ્ત કરી લીધી છે.
Ahmedabad: CBIની ફરિયાદ બાદ EDની એન્ટ્રી
આ સમગ્ર મામલાની શરૂઆત CBI દ્વારા નોંધવામાં આવેલી અપ્રમાણસર મિલકત (DA Case) ની ફરિયાદથી થઈ હતી. અગાઉ જબલપુરમાં સીબીઆઈ દ્વારા વેદપ્રકાશ વિરુદ્ધ ભ્રષ્ટાચારનો ગુનો નોંધાયો હતો. આ ફરિયાદના આધારે EDએ મની લોન્ડરિંગના પાસાઓની તપાસ શરૂ કરી અને ગઇકાલે મોટું પગલું ભરતા ₹1.58 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી છે.
કૌભાંડના નાણાંથી ચાલતો હતો ઘરખર્ચ
EDની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે:
- અંગત ઉપયોગ: ભ્રષ્ટાચાર દ્વારા મેળવેલી બિનહિસાબી રકમનો ઉપયોગ એન્જિનિયર અને તેમનો પરિવાર દૈનિક ઘરખર્ચ માટે કરતો હતો.
- બેંક બેલેન્સ: ઈડીએ એન્જિનિયર અને તેમની પત્નીના નામે રહેલી ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અને બેંક બેલેન્સને કામચલાઉ ધોરણે જપ્ત કરી છે.
- રહેણાંક ફ્લેટ: કૌભાંડના નાણાંમાંથી ખરીદેલા બે આલીશાન રહેણાંક ફ્લેટ પણ એજન્સીએ જપ્ત કર્યા છે.
- ફેમિલી એકાઉન્ટ: ગુનાની રકમનો એક મોટો ભાગ પરિવારના સભ્યોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરીને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
PMLA હેઠળ કાર્યવાહી
હાલમાં આ સમગ્ર કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં એક તરફ કોલ સેન્ટર કૌભાંડો પર તવાઈ બોલાવાઈ રહી છે, ત્યારે બીજી તરફ સરકારી બાબુઓના ભ્રષ્ટાચાર પર EDની આ કાર્યવાહીથી ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો: Life Style : “પરફેક્ટ” નહીં, “ખુશ” લાઈફસ્ટાઈલ કેવી રીતે જીવવી?









