Mumbai Khetwadi Accident : મુંબઈના ખેતવાડી વિસ્તારમાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. મંગળવારે બપોરે એક સ્કૂલ બસે 9 મહિનાની માસૂમ બાળકીને કચડી નાખી હતી. આ ભયાનક અકસ્માતમાં બાળકીનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું, જ્યારે તેની દાદી ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ સમગ્ર હૃદયદ્રાવક ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
Mumbai : કેવી રીતે સર્જાયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, દક્ષિણ મુંબઈના ખેતવાડી વિસ્તારમાં રહેતી એક મહિલા તેની મોટી પૌત્રીને સ્કૂલ બસમાંથી લેવા માટે ગઈ હતી. આ સમયે તેની ગોદમાં 9 મહિનાની નાની પૌત્રી પણ હતી. બપોરે લગભગ 12:23 વાગ્યે જ્યારે મોટી પૌત્રી બસમાંથી ઉતરી, ત્યારે દાદી તેને લઈને બસની આગળથી રસ્તો ક્રોસ કરી રહી હતી. તે જ સમયે બસ ચાલકે બસ આગળ વધારી હતી. બસની ટક્કરથી બચવાના પ્રયાસમાં મહિલાએ સંતુલન ગુમાવ્યું અને બંને પૌત્રીઓ સાથે જમીન પર પડી ગઈ. કમનસીબે, માસૂમ બાળકી દાદીની ગોદમાંથી છટકીને બસના ટાયર નીચે આવી ગઈ હતી. સ્કૂલ બસનું જમણી બાજુનું ટાયર 9 મહિનાની બાળકી અને મહિલા પર ફરી વળ્યું હતું.
મોટી પૌત્રીનો ચમત્કારિક બચાવ
આ ભયાનક અકસ્માતમાં મોટી પૌત્રી માત્ર થોડા સેન્ટિમીટરના અંતરે બસના ટાયર નીચે આવતા બચી ગઈ હતી. જેવી તે નીચે પડી કે તરત જ તે ઉભી થઈને સલામત સ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન રસ્તા પરથી પસાર થઈ રહેલા એક સ્કૂટર સવારે પણ તાત્કાલિક બ્રેક મારીને મોટી બાળકીને બચાવી લીધી હતી.
પોલીસ કાર્યવાહી અને તપાસ
ઘટના બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત મહિલા તથા બાળકીને હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તબીબોએ 9 મહિનાની બાળકીને મૃત જાહેર કરી હતી. મુંબઈ પોલીસે આ મામલે ગુનો નોંધીને સ્કૂલ બસના ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સ્કૂલ બસના ડ્રાઈવરોની બેદરકારી અને માર્ગ સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. ગયા અઠવાડિયે પુણેમાં પણ આવી જ રીતે એક 5 વર્ષના બાળકનું કાર નીચે કચડાવાથી મોત થયું હતું.
આ પણ વાંચો: સાયલા-લીંબડી હાઈવે પર ખનીજ ભરેલા ડમ્પરમાં ભયાનક આગ







