સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-લીંબડી હાઈવે પર આજે એક ભયાનક આગની ઘટના બની હતી. બ્લેકટ્રેપ ખનીજ ભરીને પસાર થઈ રહેલા એક ડમ્પરમાં ઓચિંતી આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે આખું ડમ્પર આગની લપેટમાં આવી ગયું હતું.
ડ્રાઈવરનો આબાદ બચાવ
આગ લાગી ત્યારે ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને ડમ્પરને રોડની નીચે ઉતારી લીધું હતું, જેના કારણે હાઈવે પર અન્ય વાહનો સાથે મોટી દુર્ઘટના ઘટતા અટકી હતી. ડ્રાઈવર સમયસર કેબિનમાંથી બહાર કૂદી જતાં તેનો આબાદ બચાવ થયો હતો.
તંત્રની લાપરવાહી કે સુવિધાનો અભાવ?
ઘટનાની જાણ થતા જ સાયલા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સુરેન્દ્રનગર ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જોકે, સુરેન્દ્રનગરથી ફાયર ફાઈટર પહોંચે તે પહેલા જ ડમ્પર સંપૂર્ણપણે બળીને સ્વાહા થઈ ગયું હતું. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે.
સાયલા તાલુકામાં પોતાની ફાયર ફાઈટરની સુવિધા ન હોવાને કારણે આવી આકસ્મિક આગની ઘટનાઓમાં વારંવાર મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે. સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કે સરકાર દ્વારા સાયલામાં વહેલી તકે ફાયર સ્ટેશનની વ્યવસ્થા કરવામાં આવે જેથી ભવિષ્યમાં જાન-માલનું નુકસાન અટકાવી શકાય.







